‘ધબકાર’ની આઠમી બેઠક ૧ ઓગસ્ટ ૨૦૦૯

Filed Under (અમદાવાદ) by manthan on 13-08-2009

                     સંગીતના ક્ષેત્રમાં પોતાની કળાને રજૂ કરતા સંગીતજીવીઓનો બનેલો પરિવાર એટલે કે ધબકાર પરિવારે અત્યાર સુધીમાં ગાંધીનગર તથા અમદાવાદ ખાતે ૭ બેઠકો યોજ્યા બાદ તા. ૧ ઓગસ્ટ શનિવારના રોજ પોતાની ૮ મી બેઠક યોજેલ હતી.
      
                  અમદાવાદ શહેરના એસ. જી. હાઈવે પરના એક રમણીય સ્થળ ગોકુલ ક્લબ હોટેલ આ માટે પસંદ કરવામાં આવેલ હતું. ધબકાર પરિવારના જ એક સદસ્ય શ્રી અશોકભાઈ ચૌહાણના જન્મદિનને ઓર યાદગાર બનાવતી આ બેઠક ઘણી જ સફળ રહી. ઉપરાંત વરસાદની ઋતુ અને ઘેરાયેલા વાદળોથી રચાયેલું ખુશનુમા વાતાવરણ બેઠકનો મૂડ જમાવવામાં મદદરૂપ થયું. અને આટલું ઓછું હોય તેમ અશોકભાઈએ સર્વે મિત્રો માટે બેઠકના અંતે મજાના ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.

                  બેઠકની શરૂઆત સાંજના લગભગ 7 વાગ્યાના સુમારે મા શારદાના ચરણોમાં દીપ પ્રાગટ્ય સાથે ડૉ. કેદાર ઉપાધ્યાયની સ્વરબદ્ધ કરેલી સરસ્વતી વંદના “જય જય હે ભગવતી સૂરભારતી” તેમના જ અવાજમાં રજૂ થઈ. આ ઉપાસના બાદ ધબકારના યુવા કલાકારોએ એક પછી એક પોતાની ભાવ સભર રચના રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા…

                આ સાથે જ ધબકારના ઈ મૅગઝિન “અભિવ્યક્તિ” અંક - ૫ નું પણ વિમોચન કરવામાં આવ્યું. (જેને આપ *** થી વાંચી કે ડાઉનલોડ કરી શકશો.) અને આ બેઠકના સાક્ષી બનવાનું જો ચૂકી ગયા હો તો આ રહી તેની યાદગીરી…

                ગુજરાતી સુગમ સંગીતની આ સફરમાં નૂપુરે લોક-લાડીલું અને સર્વપ્રિય એવું ગીત “ તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે…. ” પ્રસ્તુત કર્યું જેને લોકોનો ભરપૂર પ્રતિસાદ મળ્યો. અને ત્યારબાદ નવા અને ઉત્સાહી સદસ્ય એવા અર્પણે નાવિન્યતાસભર અને રમતિયાળ ગીત “ પ્રેમ અમારે કરવો ને આ રીત તમારી… ” સંભળાવ્યું. બાદમાં નિધિએ ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે એક માઈલસ્ટોન સમું સ્થાન ધરાવતું ગીત “ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા… ” રજૂ કરીને બેઠકને આગળ ધપાવી. આમ જ્યારે સૌ કોઈ ગુજરાતી સુગમ ગીતોની આ મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જ ગુજરાતીઓની જીભે સદાને માટે વસેલું સદાબહાર ગીત “ તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો…. ” રજૂ કરીને ભાવાર્થ લોકોને ડોલાવી ગયો.

                ત્યારબાદ ખુશ્બૂએ “ છાનું રે છપનું કાંઈ થાય નહીં …” ગાઈને સહુના પગને થીરકતા કરી દીધા જેનો લય વધારવામાં જાણે મદદ કરતા કૃતિએ એક મજાનું ગીત “ કોઈ ધોધમાર વરસે રે સૈ….” અને ધારિણીબેને “ સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી… ” જેવું ક્લાસિકલ ટચ ધરાવતું ગીત સંભળાવીને આ બેઠકને યાદગાર બનાવી દેવા માટેનું એક વધુ કારણ પૂરુ પાડ્યું.

                આમ, એક તરફ જ્યાં સંગીતનું પાસુ સૂરમય રહ્યું તે જ રીતે કાવ્યની મહેફિલ પણ ખૂબ જ સુંદર રહી. શૈલ્યભાઈ અને રેખાબેને પોતપોતાના કાવ્યોને વિશેષ શૈલીમાં રજૂ કરીને ધબકારની ઓળખ એવા “ સૂર અને શબ્દના સથવાર ” એ વાક્યને અર્થસભર બનાવ્યું.

                અને કોઈ પણ સ્ટેજ કાર્યક્રમને સફળ બનાવવા માટે સફળ સંચાલન પણ જરૂરી છે … અને એ માટે જોઈએ એક એવો જ સબળ સંચાલક પણ . ધબકારની આ બેઠકને આંગળી પકડીને આરંભથી અંત સુધી દોરી જવાનું કાર્ય સમ્રાટ અશોક દવેએ આગવી ખૂબીથી નિભાવ્યું. પોતાની લાક્ષણિક શૈલીમાં સમ્રાટે કલાકારો અને ઑડિયન્સ વચ્ચે એક મજાનો માહોલ ઊભો કરી દીધો.

                સાથે સાથે ધબકારના અન્ય કલાકારોમાં – કી બોર્ડ સંભાળ્યું ડૉ. કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિતે, માલવ અને હરદિપે તબલા અને લલિતે ઢોલકની સંગતીથી દરેક ગીતમાં રમતીલો રંગ ભરી દીધો હતો.

                સમગ્ર બેઠકની વ્યવસ્થા અને ગોઠવણ કરવામાં જિગર, હરદિપ, શૈલ્યભાઈ, અર્પણ વગેરે મિત્રોનો ફાળો અમૂલ્ય હતો.

                અંતમાં આ બેઠકના દરેક કલાકારોને સારી રીતે સાંભળવા અને બિરદાવવા બદલ ત્યાં ઉપસ્થિત ૩૦૦ જેટલા શ્રોતાગણોનો હું ભાવાર્થ પંડ્યા સમગ્ર ધબકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું.  ઉપરાંત બેઠકના રિપોર્ટ, ફોટોગ્રાફ્સ અને “અભિવ્યક્તિ”  ઈ-મૅગઝિન અંક - ૫ ને  www.dhabkar.com પર મૂકીને ફરી એકવાર આ સાઈટને ધબકતી કરવાનો પ્રયાસ કરવામા મંથનને સફળતા મળે એવી શુભેચ્છા સાથે ફરી મળીશું હવે પછીના કાર્યક્રમમાં…

- ભાવાર્થ પંડ્યા (ગાંધીનગર)

ગાંધીનગર પ્રોગ્રામના ફોટોગ્રાફ્સ (૨૯-૩-૨૦૦૯)

Filed Under (અમદાવાદ) by shailya on 01-04-2009

જીવનસંધ્યા માટે સાચા અર્થમાં એક સૂરીલી સંધ્યા

Filed Under (અમદાવાદ) by manthan on 06-02-2009

મિત્રો ૨૫ જાન્યુઆરીની સાંજ જીવનસંધ્યા માટે સાચા અર્થમાં એક સૂરીલી સંધ્યા બની રહી. જીવનસંધ્યા નારણપુરા અમદાવાદ ખાતે આવેલો એક વૃધ્ધાશ્રમ છે જ્યાં લાગણીની નદીઓએ ફરજિયાત થંભી જવું પડ્યું છે. સંતાનોની હૂંફ અને ઘરની છત નીચે રહી શકવાને બદલે અહીં આ મકાનમાં આશ્રય લેવો પડ્યો છે તેમને થોડો આનંદ આપી શકવાનો એક પ્રયત્ન ‘ ધબકાર ’ પરિવારે કર્યો. દર બે અઢી મહિનાના અંતરે યોજાતી ધબકારની બેઠક આ વખતે અહીંના વડીલોની નિશ્રામાં યોજાઈ. રવિવારની એ સાંજને સૂર અને શબ્દથી ભરી દેવાનો ધબકારના સભ્યોનો આ પ્રયત્ન હતો.
દર વખતની જેમ સુંદર ગીતો અને કાવ્યોનો ખજાનો લઈને ધબકારના કવિઓ ગાયકો અને તેમને સંગીતમાં સાથ આપનારા મિત્રોએ બેઠકની શરૂઆત કરી. આ સમયે ગુજરાતના જાણીતા અને માનીતા હાસ્ય લેખક શ્રી અશોક દવે અમારા આમંત્રણને માન આપીને હાજર રહ્યા જે અમારા સૌ માટે ગર્વની વાત બની રહી.
ડૉ. કેદાર ઉપાધ્યાયના પ્રાર્થના ગાન સાથે શ્રી અશોક દવે અને જીવન સંધ્યાના સંચાલકશ્રીએ દિપ પ્રાગટ્યથી બેઠકનો પ્રારંભ કર્યો. અમારા વડીલ સુધા આંટીએ મહેમાનોનું સ્વાગત કરીને ધબકાર ડૉટ કોમ પર પ્રસિધ્ધ થતા અમારા ઈ-મેગેઝિન ‘અભિવ્યક્તિ અંક - ૫’નું વિમોચન કર્યું. અને શ્રી અશોક દવેએ તેમની શૈલીમાં સંબોધન કરીને સૌના ચહેરા પર હાસ્ય રમતું કરી દીધું. સાથો સાથ ‘જીવન સંધ્યા’માં રહેતા વડીલો સામે એક રહસ્ય તેમણે ખોલ્યું – ‘ તમને અહીં મોકલી દઈને તમારા સંતાનોએ તમને ગુમાવ્યા છે. તમે સૌ અહીં એક નિશ્ચિંત જીવન જીવો છો, ગુમાવ્યું તો એમણે છે.’ અશોકભાઈના આ શબ્દોએ વાતાવરણને જીવંત બનાવી દીધું. અને એ માહોલમાં બેઠકને આગળ ધપાવી, શરૂ થયો સૂર અને શબ્દની સાધનાનો પ્રયત્ન. ત્યારબાદ બેઠકના સંચાલનનો દોર ડૉ. પાર્થે સંભાળ્યો.
કવિશ્રી અંકિત ત્રિવેદીના એક ગીત – ‘સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા…’ સમૂહમાં ગાઈને ધબકારના સભ્યોએ હાજર રહેલા સૌને આવકાર્યા. નિધી મહેતાએ – એક નવું જ કમ્પૉઝિશન ‘રસ સભર મન’ સંભળાવ્યું
તો વળી ડો.ફુલવાએ ખૂબ જાણીતું ગીત ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’ એ એક અલગ જ રીતે રજૂ કર્યું. ત્યારબાદ ખુશ્બુએ ‘પૂછીને થાય નહીં પ્રેમ’ એ ગાઈને સંભળાવ્યું-સમજાવ્યું. જ્યારે ગાંધીનગરની નુપુર ખુમારે શ્રી મુકેશ જોષીની રચના ‘હરિ તમે તો સાવ જ અંગત,સાંભળજો આ અરજી’ ગાઈને વાતાવરણ ભાવવિભોર કરી દીધું.પ્રભુને સમજાવ્યાં કે કેવી રીતે તમારે મારા માવતર પાસે મારા હાથની માગણી કરવાની છે અને છતાંય જો ઘરનાં લોકો લગ્નની મંજૂરી ના આપે તો હું તમારી સાથે આવીશ, આપણે ભાગીને લગ્ન કરી લઈશું…ઘર માંડીશું, અમૃત અમૃત થાશું. આવી સુંદર રચના સાંભળીને સૌ ડોલી ઊઠ્યાં. તો વળી કૃતિ જોષીએ ‘સાયબો મારો ગુલાબનો છોડ” ગાઈને સૌને ઝૂમતાં કરી દીધા. રુચિ ત્રિવેદીએ “નજર્યુંના કાંટાની ભૂલ મારા વાલમા, વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા’ સંભળાવ્યું, દીપક ઠાકરે ‘બાગમાં ટહૂકો છળે તો શું કરું’ ખૂબ સરસ રીતે રજૂ કર્યું.
ગુજરાતી ગીત-સંગીતના આ દોરમાં વચ્ચે-વચ્ચે ધબકારનાં કવિ મિત્રોએ પોતાની રચના રજૂ કરી જેમાં રેખાબેન જોષીએ ત્યાં હાજર વડીલોની લાગણીને વાચા આપતી એમની ક્રુતિ ‘અમે છીએ દાદા-દાદી, જૂની આંખે નવું ભાળીએ, લાગે થાતી સંસ્કૃતિની બરબાદી, અમે છીએ દાદા-દાદી’ રજૂ કરી.તે ઉપરાંત કૈરવભાઈ ધબકારના ફાઉન્ડર મેમ્બર શ્રી શૈલ્ય શાહે તેમની સાવ જ નવી રચનાઓ સંભળાવી અને અમારા સુધા આન્ટીની કવિતા વિના તો બેઠક અધૂરી જ લાગે. સુધા આન્ટીએ પોતાની રચનાથી જૂના અમદાવાદની છબી તાદ્રશ્ય કરાવી.
આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ પર સંગીતમાં સાથ આપનારા મિત્રો હતાં-ડો.કેદાર ઉપાધ્યાય-કી બોર્ડ, હાર્દિક પુરોહિત -હાર્મોનિયમ સાથે. જ્યારે સાઈડ રિધમ અને તબલા સાથે તાલ પૂરાવ્યો લલિત,વત્સલ, અનીસ અને ધૃ5વલે.
કવિ જવાહર બક્ષી લખે છે કે, “કોઈ એકાદ ક્ષણ રહે તો આખા પ્રસંગનું વાતાવરણ રહે.” એવી જ ક્ષણ હતી છેલ્લે જ્યારે ‘જીવન-સંધ્યા’ના તમામ વડીલોએ પોતાના અનુભવસિધ્ધ હાથો વડે ધબકારના સભ્યોને ખૂબ-ખૂબ આશીર્વાદ આપ્યાં. કહેવાની જરૂર ખરી કે હૃદયપૂર્વકના આ આશીર્વાદથી જ હવે પછી યોજાનારી છઠ્ઠી બેઠક પણ એટલી જ અને કદાચ એનાથી પણ વધુ સફળતાથી યોજી શકાશે.
તો આ હતી ધબકારની સફરના પાંચમા પડાવની વાત અને હવે છઠ્ઠાની રાહ…ને આમ જ, માતૃભાષાની અવિરત સેવા કરવાની ચાહ સાથે જ….
-ધબકાર પરિવાર વતી

ધબકાર વેબસાઈટ અને ઈ- મૅગઝીન નો શુભારંભ

Filed Under (અમદાવાદ) by નીરજ on 11-02-2008

Tagged Under : , , , , , , , , , , , , , , , , , , , ,

         થીજાવતી ઠંડીમાં લાગણીની હૂંફ આપવાના સમયે જ્યારે લોકો ઘરમાં બેસીને વધુ ઠુઠવાતા હોય છે ત્યારે આજે ધબકારના સભ્યોની હાજરીમાં આજ ધબકારની વેબસાઈટ ધબકાર.કૉમ નું લૉંચિન્ગ થયું.
         આંગણું તો સ્વાભાવિક રીતે શૈલ્યભાઈનું જ હતું… ને એમાં બહાર ઈન્ટરનેટ કનેક્શન સાથ સાઈટને શરૂ કરવાની હતી. ધબકારના સભ્યો ઉપરાંત ગુજરાત સમાચાર અને એમ. એચ. - ૧ ન્યુઝ ચેનલના પ્રતિનિધિઓ પણ આ પ્રસંગને એમની કૉલમમાં કેદ કરવા હાજર હતા.
           શરૂઆતમાં પાર્થે ધબકારના ઉદભવની અને કેટલીક જૂની વાતોને વાગોળી… ને આ પ્રસંગને ધબકારની ઝરણામાંથી નદી બનવાની ઘટના સાથે સરખાવી … ને આમ તો આ સાઈટના ઉદઘાટન માટે ઘણા બધાને બોલાવવા પડે એમ હતું પરંતુ આ સાઈટ બને તે માટે સાચા અર્થમાં સમય અને ઘણી બધી શક્તિ સમર્પિત કરનાર આપણા આઈ.ટી. વિભાગના મંથને સાઈટનો આરંભ કરાવ્યો… ને બધાએ તાલીઓથી એને વધાવી લીધુ..
            પછી પ્રસંગ આગળ ચાલ્યો ને સુધાબેનને બોલાવ્યા જેથી આપણા ઈ- મૅગઝીન “અભિવ્યક્તિ” ને લીલી ઝંડી આપીને જાહેર બનાવી શકે… એમણે આવીને અભિવ્યક્તિમાં છપાનારા સાહિત્ય અને એની ઉંચાઈ વિશે સરસ વાતો કરીને અભિવ્યક્તિ મુખપત્રનું લોકાર્પણ કર્યું.
          પછી અભિવ્યક્તિમાં આર્ટિકલ આપનાર દરેક વ્યક્તિએ પોતાનાં આર્ટિકલમાં મૂકેલ વાત કહી… જેમાં શૈલ્યભાઈ, કાંક્ષિત, તન્વીબેન, પાર્થ, પીન્કીબેન, મંથન …. બધાએ પોતપોતાના લેખ અને અલગ અલગ વિભાગો વિષે માહિતી પૂરી પાડી.
           છેલ્લે કાંક્ષિતે હાજર તેમજ ગેરહાજર દરેક સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો. અને છેલ્લે આપણા આ કાવ્યસંગ્રહમાં સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માએ પણ રસ દાખવ્યો છે એ બાબત જાણીને બધાએ ધબકારની વધતી જતી લોકપ્રિયતા અને એની સાથે જોડાયેલા હોવાનો સંતોષ માન્યો… ને લાસ્ટ બટ નૉટ લિસ્ટ વેફર ને સમોસા નો નાસ્તો કરી ને બધા છૂટા પડ્યા.
            ને આ સાથે જ ધબકાર ન સુર્વણમુગટમાં વધુ બે સુંદર પીંછા મુખપત્ર અને વેબસાઈટ રૂપી ઉમેરાયા.

ધબકારનું વધુ વિશ્વાસપૂર્વકનું અને સફળતાભર્યું દ્વિતીય પગલું….!!

Filed Under (અમદાવાદ) by નીરજ on 23-12-2007

Tagged Under : , , , , , , , , , , , , , , , , , , , , ,

૨૩ ડીસે. ના આપણું ‘ધબકાર’ વધુ એકવાર સ્વર-શબ્દનો યજન કરવા તૈયાર હતું… આમ તો મિત્રોમા મળવા ને વહેચવાનું ના હોય તો પણ બધાએ વધુ સારી રીતે કૃતિ રજૂ કરી શકાય એટલે અઠવાડિયાં અગાઉથી તૈયારીઓ કરી ને પોતાનાં કલા-પુષ્પો મા સરસ્વતિના ખોળે ધરવા તૈયાર હતાં.

શૈલ્યભાઇનું આંગણું આ પહેલાંના કાર્યક્રમ કરતાં ઘણા વધુ લોકોને આવકારવા તૈયાર હતું. કાર્યક્રમ પણ લગભગ નકકી કરેલા સમયે શરુ થયો.

પાર્થ દ્વારા કવિ શ્રી ભાનુશંકર વ્યાસની ‘માગણી’ નામક કૃતિ ‘આપને તારા અંતરનો એક તાર’ શ્રોતા મિત્રો પાસે રજૂ થઈ એ સાથે જ શરુ થયો શબ્દ-સૂરની વહેચણીનો એ અવર્ણનીય આનંદ…!!

શરુઆત થઇ દેવલ દ્વારા સરસ્વતિ-સ્તુતિથી… જેમાં સુરસરગમના બિંદુ હોવાનો નમ્ર આનંદ છલકતો હતો. ત્યાર બાદ ધબકારની સૌથી નાની વયની પણ ખૂબ જ સુંદર ટેલેન્ટ ધરાવતી વાગ્મી દેસાઇએ “હે ચંદ્રમૌલી…!” ગાઇને વાતાવરણમાં પવિત્રતા ઉમેરી. પછી એ જ સાથે ધબકારનો કાર્યક્રમ રંગ પકડતો ગયો….!

પછી વારો આવ્યો ”શમા” નામક દીપ્તિ પટેલના કાવ્યનો, જેનું વાચન થયું મન્થન દ્વારા. …..પણ મંથન સ્ટેજ પર આવે આવે ત્યાં તો પાર્થ દ્વારા ધબકાર વતી મંથનના જન્મદિવસની શુભકામનાઓ વ્યક્ત કરતું એક કાવ્ય પણ રજૂ કરી દઈને પ્રસંગની મઝાને ઑર વધારી દીધી…! ત્યાર બાદ જીગ્નાબેને “રાધાનું નામ તમે….”  રજૂ કર્યું; સુધાબેન ભટ્ટે એક અછાંદસ કાવ્ય અને એક છંદબદ્ધ કવિતા રજૂ કરી. સાથે સાથે એમણે છંદની સમજ પણ આપી… પછી શૈલ્યભાઇએ ઓજસ પલનપુરીની રચના “બીજી તો કોઇ રીતે ના ભુંસાય ચાંદની” રજૂ કરી અને પછી વારો આવ્યો સૈફ પલનપુરીની રચનાનો…

“ખુશ્બુમાં ખિલેલ ફૂલ હતાં… ” રજૂ કરી પ્રશાંતે. એકદમ સંવેદનશીલ એવી આ ગઝલની એકદમ સંવેદનાથી કરાયેલી રજુઆત સાંભળીને ઉપસ્થિત બધાં જ સ્તબ્ધ થઇ ગયાં… ને પછી એ વાતાવરણને હળવું બનાવ્યું કાંક્ષિતે. “રોજ એ જગતથી કશુ” સંભળાવીને વાતાવરણને હળવું બનાવી દીધુ.  ને લોકોએ તો એને દુબારા, દુબારા કરીને બીજી કડી તો બીજી વાર પણ રજૂ કરાવી !

વચ્ચે વળી વીજય અને લીનાને એમના સફળ દાંપત્યજીવનની શુભકામનાઓ આપી. ત્યારબાદ સી.એન. વિદ્યાવિહાર તરફથી ખાસ હાજર રહેલા શ્રી નીખીલભાઇ શાહે ધબકારની પ્રવૃત્તિને ખાસ બીરદાવી અને આ કાર્યક્રમમાં એમનો પૂરો સાથ હોવાની ખાત્રી આપી અને ધબકાર સાથે જોડાયેલાં સૌને ધન્યવાદ આપ્યા. જ્યારે શૈલ્યભાઇએ એમની પોતાની રચનાનું પઠન કર્યુ. ડૉ. હાર્દીકે ખાસ ધબકાર ઉપર જ એક કાવ્ય રજૂ કરીને બધાંની દાદ મેળવી…!

પછી તો બ્રેકની થોડીવાર જ પહેલાં, ધબકારના તમામ મહત્વના સમયે સાથ આપતા ધબકારના તબલચીઓ હાર્દિપ અને વત્સલે તબલા વાદન રજૂ કર્યું તથા સાથે સાથે કેટલીક તબલાવાદનની પાયાની માહિતી પણ આપી. ને એમ છેવટે ધબકતા તાલ સાથે જ થોડા સમયનો વિરામ લેવામાં આવ્યો…

બીજી બેઠકનો આરંભ એકદમ ડોલાવી દેનારો રહ્યો… ! ખુશ્બુએ “મેં તો ઝેર નો કટોરો પીધો” રજૂ કર્યું… જે સ્વભાવિક રીતે જ ‘વન્સ મોર’ થયું ને ખુશ્બુએ પહેલી કડી ગાઇને બધાને રાજી પણ કર્યા… ત્યારબાદ ધબકારની વધુ જાણીતી અને હિતેચ્છુ વ્યક્તિ એવા કમ્પોઝર શ્રી જન્મેજયભાઇ વૈદ્ય ખાસ આવ્યા. તેમણે ધબકાર વિષે તો વાત કરી જ પણ સાથે સાથે જાતે જ એમનું પોતાનું કમ્પોઝીશન પણ સંભળાવ્યું !!! એ પણ બધાંએ સાંભળીને મજા માણી. પછી દરેકે પોતાની કૃતિ રજૂ કરી… સમય બહુ ઝડપે પસાર થતો હતો એટલે પછી બધાની એક એક જ કૃતિ લઇ શકાઇ… જેમાં ધ્વનિની કૃતિ ધારીણીબહેને અને પ્રીતિબહેનની કૃતિ જલ્પાબેને વાંચીને રજૂ કરી…

ફલકે સોલી કાપડિયાની ગાયેલી “કોક વાર આવતાં ને જાતાં” ને નજાકતની સાથે મૌલિક ટચ આપીને અતિસુંદર રીતે રજૂ કરી બધાની વાહ વાહ મેળવી… પછી તો પિંકીબેને પણ એમની કૃતિ વાંચી સંભળાવી…

ક્રિશ્ના પંચાલની કૃતિ એમની જ હાજરીમાં શૈલ્યભાઇ દ્વારા વંચાણી… ને છેલ્લે તેજસે “તારા અણસારે….” પરેશ ભટ્ટનું કંમ્પોઝીશન સંભળાવ્યુ અને છેલ્લે ‘આ અસ્ત પછી ફરી ઉદયમાં’ મળવાનું નકકી કરી બધાં છુટાં પડ્યાં….

ઇલેકશનના રીઝલ્ટમાં બહોળી લોકલાગણીની જીતની સાથે ધબકારની આ સાંજ એક યાદગાર સાંજ બની દરેકના હ્રદયમાં ધબકતી રહી…!