Aug 13
2009‘ધબકાર’ની આઠમી બેઠક ૧ ઓગસ્ટ ૨૦૦૯
Filed Under (અમદાવાદ) by manthan on 13-08-2009
સંગીતના ક્ષેત્રમાં પોતાની કળાને રજૂ કરતા સંગીતજીવીઓનો બનેલો પરિવાર એટલે કે ધબકાર પરિવારે અત્યાર સુધીમાં ગાંધીનગર તથા અમદાવાદ ખાતે ૭ બેઠકો યોજ્યા બાદ તા. ૧ ઓગસ્ટ શનિવારના રોજ પોતાની ૮ મી બેઠક યોજેલ હતી.
અમદાવાદ શહેરના એસ. જી. હાઈવે પરના એક રમણીય સ્થળ ગોકુલ ક્લબ હોટેલ આ માટે પસંદ કરવામાં આવેલ હતું. ધબકાર પરિવારના જ એક સદસ્ય શ્રી અશોકભાઈ ચૌહાણના જન્મદિનને ઓર યાદગાર બનાવતી આ બેઠક ઘણી જ સફળ રહી. ઉપરાંત વરસાદની ઋતુ અને ઘેરાયેલા વાદળોથી રચાયેલું ખુશનુમા વાતાવરણ બેઠકનો મૂડ જમાવવામાં મદદરૂપ થયું. અને આટલું ઓછું હોય તેમ અશોકભાઈએ સર્વે મિત્રો માટે બેઠકના અંતે મજાના ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.
બેઠકની શરૂઆત સાંજના લગભગ 7 વાગ્યાના સુમારે મા શારદાના ચરણોમાં દીપ પ્રાગટ્ય સાથે ડૉ. કેદાર ઉપાધ્યાયની સ્વરબદ્ધ કરેલી સરસ્વતી વંદના “જય જય હે ભગવતી સૂરભારતી” તેમના જ અવાજમાં રજૂ થઈ. આ ઉપાસના બાદ ધબકારના યુવા કલાકારોએ એક પછી એક પોતાની ભાવ સભર રચના રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા…
આ સાથે જ ધબકારના ઈ મૅગઝિન “અભિવ્યક્તિ” અંક - ૫ નું પણ વિમોચન કરવામાં આવ્યું. (જેને આપ *** થી વાંચી કે ડાઉનલોડ કરી શકશો.) અને આ બેઠકના સાક્ષી બનવાનું જો ચૂકી ગયા હો તો આ રહી તેની યાદગીરી…
ગુજરાતી સુગમ સંગીતની આ સફરમાં નૂપુરે લોક-લાડીલું અને સર્વપ્રિય એવું ગીત “ તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે…. ” પ્રસ્તુત કર્યું જેને લોકોનો ભરપૂર પ્રતિસાદ મળ્યો. અને ત્યારબાદ નવા અને ઉત્સાહી સદસ્ય એવા અર્પણે નાવિન્યતાસભર અને રમતિયાળ ગીત “ પ્રેમ અમારે કરવો ને આ રીત તમારી… ” સંભળાવ્યું. બાદમાં નિધિએ ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે એક માઈલસ્ટોન સમું સ્થાન ધરાવતું ગીત “ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા… ” રજૂ કરીને બેઠકને આગળ ધપાવી. આમ જ્યારે સૌ કોઈ ગુજરાતી સુગમ ગીતોની આ મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જ ગુજરાતીઓની જીભે સદાને માટે વસેલું સદાબહાર ગીત “ તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો…. ” રજૂ કરીને ભાવાર્થ લોકોને ડોલાવી ગયો.
ત્યારબાદ ખુશ્બૂએ “ છાનું રે છપનું કાંઈ થાય નહીં …” ગાઈને સહુના પગને થીરકતા કરી દીધા જેનો લય વધારવામાં જાણે મદદ કરતા કૃતિએ એક મજાનું ગીત “ કોઈ ધોધમાર વરસે રે સૈ….” અને ધારિણીબેને “ સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી… ” જેવું ક્લાસિકલ ટચ ધરાવતું ગીત સંભળાવીને આ બેઠકને યાદગાર બનાવી દેવા માટેનું એક વધુ કારણ પૂરુ પાડ્યું.
આમ, એક તરફ જ્યાં સંગીતનું પાસુ સૂરમય રહ્યું તે જ રીતે કાવ્યની મહેફિલ પણ ખૂબ જ સુંદર રહી. શૈલ્યભાઈ અને રેખાબેને પોતપોતાના કાવ્યોને વિશેષ શૈલીમાં રજૂ કરીને ધબકારની ઓળખ એવા “ સૂર અને શબ્દના સથવાર ” એ વાક્યને અર્થસભર બનાવ્યું.
અને કોઈ પણ સ્ટેજ કાર્યક્રમને સફળ બનાવવા માટે સફળ સંચાલન પણ જરૂરી છે … અને એ માટે જોઈએ એક એવો જ સબળ સંચાલક પણ . ધબકારની આ બેઠકને આંગળી પકડીને આરંભથી અંત સુધી દોરી જવાનું કાર્ય સમ્રાટ અશોક દવેએ આગવી ખૂબીથી નિભાવ્યું. પોતાની લાક્ષણિક શૈલીમાં સમ્રાટે કલાકારો અને ઑડિયન્સ વચ્ચે એક મજાનો માહોલ ઊભો કરી દીધો.
સાથે સાથે ધબકારના અન્ય કલાકારોમાં – કી બોર્ડ સંભાળ્યું ડૉ. કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિતે, માલવ અને હરદિપે તબલા અને લલિતે ઢોલકની સંગતીથી દરેક ગીતમાં રમતીલો રંગ ભરી દીધો હતો.
સમગ્ર બેઠકની વ્યવસ્થા અને ગોઠવણ કરવામાં જિગર, હરદિપ, શૈલ્યભાઈ, અર્પણ વગેરે મિત્રોનો ફાળો અમૂલ્ય હતો.
અંતમાં આ બેઠકના દરેક કલાકારોને સારી રીતે સાંભળવા અને બિરદાવવા બદલ ત્યાં ઉપસ્થિત ૩૦૦ જેટલા શ્રોતાગણોનો હું ભાવાર્થ પંડ્યા સમગ્ર ધબકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ઉપરાંત બેઠકના રિપોર્ટ, ફોટોગ્રાફ્સ અને “અભિવ્યક્તિ” ઈ-મૅગઝિન અંક - ૫ ને www.dhabkar.com પર મૂકીને ફરી એકવાર આ સાઈટને ધબકતી કરવાનો પ્રયાસ કરવામા મંથનને સફળતા મળે એવી શુભેચ્છા સાથે ફરી મળીશું હવે પછીના કાર્યક્રમમાં…
- ભાવાર્થ પંડ્યા (ગાંધીનગર)
