ધબકારના મુંબઈમાં શબ્દમય અને સૂરીલા શ્વાસ

Filed Under (મુંબઇ) by નીરજ on 30-04-2008

 મુંબઈમાં ધબકારના પ્રથમ અને  દ્વિતીય શ્વાસ બાદ ધબકારના સભ્યોની વિવિધ પ્રતિભા દર્શાવતી સોહામણી ક્ષણ એટલે તા. ૧૩/૦૪/૨૦૦૮ ને રવિવારે સાંજે ૩:30 કલાકે યોજાયેલી મીટિંગ . મુંબઈના ઉપનગર ગ્રાંટરોડમાં આભને ટેકો દઈને ઉભી હોય એવી ૧૮ માળની બિલ્ડિંગમાં ૧૧માં માળે રહેતા ચેતનભાઈ ફ્રેમવાળાના નિવાસસ્થાને આ મીટિંગ યોજાયેલી. આ શબ્દમય અને સૂરીલી મીટિંગ મુંબઈનાં ધબકતા ધબકારનું  અનોખુ નજરાણું બની ગઈ. આ કાર્યક્રમની શરૂઆત શ્રી ચંદુલાલ ફ્રેમવાલા ગણપતી વંદના અને સરસ્વતી વંદનનાથી કરી હતી. ત્યાર બાદ રૂપા ગડા એ સ્વાગત રૂપી પુષ્પો વેર્યા હતા અને ધબકારની એક અનોખી સાંજની શરૂઆત થઈ, ધબકારના યુવા સંચલકો ખેવના દેસાઈ અને વિનય પંડ્યાએ સંચાલન નો દોર સંભાળ્યો.

 આ મીટિંગને બે વિભાગમાં વહેચંવામાં આવી પહેલા કવિ સંમેલન અને ત્યાર બાદ સુગમ સંગીત એજ રીતે પહેલા કવિ સંમેલનની શરૂઆત થઈ અને ધબકારના કવિઓએ કવિતા પોતાની આગવી શૈલીમાં કાવ્યપઠનની શરૂઆત કરી. ઉગતા નવોદિત કવિઓ એ ગીત, ગઝલ, અછાંદસ સ્વરૂપોમાં  પ્રેમ, હાસ્ય, વિરહ, સમાજીક અનિષ્ઠતા અને પ્રકૃતિ સૌંદર્ય જેવા વિવિધ તત્વો આવરી લીધા હતાં

 કવિતા રજૂ કરનાર કવિઓમાં કાજલ વાસુ, ખેવના દેસાઈ, વિનય પંડ્યાંસિફર‘, કપિલ દવે, ચેતન ફ્રેમવાળા, ગીરીશ ભાઈ જોષી, પરેશ ભાઈ પંડ્યા,હસમુખ ધરોડઅંકુર‘, અને મંજુલાબેન પાસડ  હતાં

 

ત્યાર બાદ મીટિંગનો બીજો તબ્બકો એટલે સુંગમ સંગીત, જેમ સોનામાં સુંગધ ભળે તેમ શબ્દોમાં સૂર ભેળવવાનો સમય આવ્યો, શબ્દોની સાથે સૂરની રલમછેલ બોલવવાનો સમય આવ્યો. જેમાં નામાંકિત કવિઓ જેવાકે અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, ઝવેરચંદ મેઘાણી જેવા મરજીવાઓએ વિણેલા મોતી જેવી રચનાને સંગીતમય રૂપ આપી એક પછી એક છાબમાં ગોઠવાવા મંડાણી અને છાબ જાણે છલોછલ નવરત્નોથી છલકાઈ ગઈ નવોદિત ગાયકો એ પોતાના સૂરોની જાણે લ્હાણી કરી હોય તેમ સર્વ રસીકોને સૂર અને તાલમાં તરબોળ કરી દિધા.

 ભક્તિ સંગીત, ગઝલ, ગીત, સુગમ અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના આત્મા સમુ લોકસાહિત્ય અને માટીની મીઠી મહેક છેક મુંબઈ સુધી પહોંચી ગઈ હતી. ધબકારમાં (સૂર) શબ્દનો સથવારો કરી ને ગાયકોએ શ્રોતાઓને તરબતર કરવા જે ગીતો ગાયા હતા તે આ મુજબ છે

 

૦૧, શબરી બોર કદિ (કદી) ચાખ્યાં હશે - ભાવના દેઢિયા

 ૦૨, ગાયો ચારીને ગોવિંદ ઘેર આવ્યા રે   - કાજલ વાસુ

 ૦૩, સૂના સરવરિયાને કાંઠડે - ખેવના દેસાઈ

 ૦૪, તમે થોડુ ધણું સમજો તો સારું - નિલાબેન કડકિયા

 ૦૫, મળે છે જાગૃતિમાં જ્યારે તું    - આશીક પુંજાણી

 ૦૬, એક દી સર્જક ને આવ્યો   - આશીષ પુંજાણી

 ૦૭, કાજળના અંધકારે   - વિજલ પટેલ

 ૦૮, દિકરો (દીકરો) મારો લાડકવાયો - દિપા ગડા

 ૦૯, હું ક્યાં કહુ છું આપની - હસમુખ ગડા

 ૧૦, બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે  - ચેતન ફ્રેમવાળા (સ્વરચિત)

 ૧૧, પાટણથી પટોળા મોંઘા લાવજો   - હિના શાહ

 ૧૨, લાલ લાલ ચૂંદડી રંગાવ મારી માડી   - ભાવના ડેઢિયા અને હિના શાહ

 ૧૩, મન મોર બની થનગાટ કરે,શિવ તાંડવ અને  દુહા છંદ ની રમઝટ    - વિનય પંડ્યા

 

આવા સરસ ગીતો રજૂ કરીને ગાયકોએ દરેકને મંત્રમુગ્ધ કરી દિધા હતા, અને ખરેખર ખૂબ જ સુંદર સાંજ હતી, કોઈને જવાનું મન નહોતું થતું પણ શું કરીએ જવું તો પડેજ …….આ રમણીય સાંજ હસમુખભાઈ ધરોડની આભારવિધિ સાથે પૂર્ણ થાય છે

 ચેતનભાઈ ફ્રેમવાળાએ  ધબકારની મીટિંગમાં આવેલા દરેક કવિ ગાયકો અને શ્રોતાગણ માટે અલ્પહારની વ્યવસ્થા કરેલી અને ધબકારની આ મીટિંગ થયેલ તમામ ખર્ચો ચેતનભાઈ ફ્રેમવાળાએ આપેલ છે એ બદલ ધબકાર એનો ખૂબ ખૂબ આભાર માને છે.

  

સુરતમાં ધબકારના પગરવ

Filed Under (સુરત) by નીરજ on 04-03-2008

Tagged Under : , , , , , , , , , , , , , , , , ,

સુરત, એક એવી ધરતી કે જ્યાં, પોળ અને શેરીઓ પણ હોય; અને ફ્લાયઓવર્સ અને સ્કાયસ્ક્રેપર્સ પણ. પરંપરાગતાથી માંડીને અલ્ટ્રામોર્ડન શૈલીનો સમન્વય એટલે સુરત. સૂર અને શબ્દોના સમર્થ રસિકોનું શહેર એટલે સુરત. મિત્રોનાં પ્રેમ અને આવકાર પર ધબકાર સુરત પહોંચ્યું.
શ્રી ભૌમિક પંડ્યા અને શ્રી અદ્વૈત શર્માના આમંત્રણ પર ધબકાર તારીખ ૨/૩/૨૦૦૮ ના સુરત પહોંચ્યું. ગુજરાતી સંગીત અને લેખનની કર્મભૂમિ સમાન સુરતમાં પહોંચતાં જ સહુને આનંદ થયો. ધબકારની સુરત મીટીંગનું આયોજન શ્રીમતી નિરજા પરીખે કર્યું હતું.
સુરત જવાનો મુળ હેતુ ભલે ધબકારને સુરતમાં ધબકતું કરવાનો હોય, પણ સુરત જવાનું મુળ પ્રોત્સાહન હતું, સાહિત્યનાં અદ્વિતિય સાધક “શ્રી ભગવતીકુમાર શર્મા”નાં દર્શન કરવાં, તેમની સાથે બેસી ધબકાર માટે માર્ગદર્શન લેવું. લેખન અને નિરૂપણનાં ગુણધર્મ જાણવાં. આ લ્હાવો લુંટવા અને આશિર્વાદ લેવાં અમદાવાદથી મંથન,કાંક્ષિત અને શૈલ્ય સુરત ગયાં હતાં.
સુરત સ્ટૅશન પર પહોંચતા પહેલાં જ ભૌમિક અને અદ્વૈત અમદાવાદથી આવેલા મિત્રોને આવકારવા સ્ટૅશન પર આવી પહોચયાં હતાં.
સુરતમાં ધબકારનો પ્રથમ પડાવ શ્રી ભગવતીકુમાર શર્માનાં ઘરે રહ્યો. થોડાક જ સમયમાં શ્રી ભગવતીકુમાર શર્મા સહુ માટે આદરણીય “દાદા” બની ગયાં. પુજ્ય દાદાને ધબકાર વિષે જણાવતાં જ તેમના આશિર્વચનો ધબકારને મળવાં માંડ્યાં. દાદા જેમ પોતાનાં પૌત્રોને ડગ ભરતાં શીખવાડે તેમ તેઓ ધબકારની આંગળી ઝાલી રસ્તો બતાવવા માંડ્યા.
ઈન્ટરનેટ જેવાં માધ્યમથી ગુર્જરીની સેવા કરવાનો ધબકારનો અલાયદો ચીલો જાણી તેમને ઘણો આનંદ થયો. ઈન્ટરનેટ ને કારણે ભુલાતી પુસ્તક વાંચનની ટેવને જીવંત રાખવાનું ધબકારનું ધ્યેય તેમણે વધાવી લીધું.
દાદાએ ધબકારની આવનારી પુસ્તિકા માટે પ્રસ્તાવના લખવાનો પ્રસ્તાવ આવકારી અને કહ્યું કે જો નવોદીતો નિષ્ઠા, ધ્યેય અને દ્વટ સંકલ્પથી કવિતાની આરાધના કરતાં હોય તો તેઓ સદૈવ ધબકારની સાથે જ છે.
તેમની જોડેનો સંવાદ કવિતા, વાર્તાલેખન, નવલકથા અને ભાષાનાં અનેકવિધ પ્રકારોથી આગળ વધીને લેખન શૈલી, ભાષા સામર્થ્ય, માનસિક વિચારો, વિચારોનું સિંચન અને યુવાનોની કવિતા લેખનમાં કરાતી અધીરાશ એવી ઘણી વિગતો સુધી વિસ્તરિત રહ્યો.
કાંક્ષિતે પુજ્ય દાદાને વિનંતિ કરીકે તેઓ નવોદીતોને માર્ગદર્શન આપતાં અમુક શબ્દો કહે.તે આશિર્વચનો ધબકાર સાઈટ પર એક અલગ રીપોર્ટ તરીકે અપલોડ કરવામાં આવશે.
દાદાએ તેમની “અમે આંધી વચ્ચે તણખલાંનાં માણસ” ગઝલ સંભળાવી સહુને મોહી લીધાં. આ રચનાઓ રજુ કરવા પાછળનો મુળ હેતુ ગઝલનાં ફોરમેટને સમજવાનો હતો. શૈલ્ય અને કાંક્ષિતે પણ પોતાની રચનાઓ રજુ કરી.
ભૌમિક અને અદ્વૈતે સુરતી લોચો ખવડાવી સહુને એક નવાં સ્વાદથી અવગત કરાવ્યાં.
ત્યાર બાદ, ધબકારની સુરત મીટીંગનું આયોજન કરવાં માટે જેઓ આગળ આવ્યાં હતાં તેવાં નિરજાબેનને ઘેર સહુ ગયાં.
ધબકારની પ્રથમ મીટીંગ T & TV સ્કુલનાં હૉલમાં રાખવામાં આવી હતી. ધબકારની મીટીંગમાં પ્રથમવાર એવાં મૅમ્બર્સ આવ્યાં હતાં કે જેઓ “પોલિશ્ડ પૉએટસ્” હતાં. આથી ધબકારની વાતે વળાંક લીધો.
નવોદીતોને એકમેક સાથે મેળવી આગળ વધનાર ધબકાર, આ કવિઓની ભાષા, અભિવ્યક્તિ અને લેખનજ્ઞાનનો સફળતાપૂર્વક ઉપયોગ કરે તેવી વાત સામે આવી. સુરતી હૃદય અને વર્તનની ઝલક પળે પળે મળતી હતી.
મીટીંગ નાં અંતે એવો નિર્ણય લેવાયો કે સુરતનાં નવાં મેમ્બર્સ કે જેઓને લેખનનાં સિધ્ધ સાધકોનું માર્ગદર્શન ભૌતિક રીતે મળે છે, તેઓ ધબકારનાં બધાં જ નવોદીતો અને કવિઓને પ્રથમ તો એક વેબ પેજ દ્વારા અને પછી સેમિનારનાં માધ્યમથી કાવ્યલેખન, છંદ, કવિતાનાં પ્રકાર અને લેખન શૈલીનાં મૂળ સિધ્ધાંતો નું માર્ગદર્શન નિર્ધારિત સમયાંતરે પૂરા પાડતાં રહેશે. સુરતનાં કવિઓએ તેઓનાં અમદાવાદમાં વસતાં મિત્રોનો રેફરન્સ પણ આપ્યો અને બનતી બધી જ મદદ કરવાનો વાયદો પણ કર્યો. અસલ સુરતી મીટીંગ માણી સહુ છુટાં પડ્યાં.
નવાં મિત્રો, નવાં વિચારો અને નવાં ધ્યેય સાથે સુરતમાં ધબકારનાં એક નવાં અધ્યાયની શરૂઆત થઇ.

ધબકાર વેબસાઈટ અને ઈ- મૅગઝીન નો શુભારંભ

Filed Under (અમદાવાદ) by નીરજ on 11-02-2008

Tagged Under : , , , , , , , , , , , , , , , , , , , ,

         થીજાવતી ઠંડીમાં લાગણીની હૂંફ આપવાના સમયે જ્યારે લોકો ઘરમાં બેસીને વધુ ઠુઠવાતા હોય છે ત્યારે આજે ધબકારના સભ્યોની હાજરીમાં આજ ધબકારની વેબસાઈટ ધબકાર.કૉમ નું લૉંચિન્ગ થયું.
         આંગણું તો સ્વાભાવિક રીતે શૈલ્યભાઈનું જ હતું… ને એમાં બહાર ઈન્ટરનેટ કનેક્શન સાથ સાઈટને શરૂ કરવાની હતી. ધબકારના સભ્યો ઉપરાંત ગુજરાત સમાચાર અને એમ. એચ. - ૧ ન્યુઝ ચેનલના પ્રતિનિધિઓ પણ આ પ્રસંગને એમની કૉલમમાં કેદ કરવા હાજર હતા.
           શરૂઆતમાં પાર્થે ધબકારના ઉદભવની અને કેટલીક જૂની વાતોને વાગોળી… ને આ પ્રસંગને ધબકારની ઝરણામાંથી નદી બનવાની ઘટના સાથે સરખાવી … ને આમ તો આ સાઈટના ઉદઘાટન માટે ઘણા બધાને બોલાવવા પડે એમ હતું પરંતુ આ સાઈટ બને તે માટે સાચા અર્થમાં સમય અને ઘણી બધી શક્તિ સમર્પિત કરનાર આપણા આઈ.ટી. વિભાગના મંથને સાઈટનો આરંભ કરાવ્યો… ને બધાએ તાલીઓથી એને વધાવી લીધુ..
            પછી પ્રસંગ આગળ ચાલ્યો ને સુધાબેનને બોલાવ્યા જેથી આપણા ઈ- મૅગઝીન “અભિવ્યક્તિ” ને લીલી ઝંડી આપીને જાહેર બનાવી શકે… એમણે આવીને અભિવ્યક્તિમાં છપાનારા સાહિત્ય અને એની ઉંચાઈ વિશે સરસ વાતો કરીને અભિવ્યક્તિ મુખપત્રનું લોકાર્પણ કર્યું.
          પછી અભિવ્યક્તિમાં આર્ટિકલ આપનાર દરેક વ્યક્તિએ પોતાનાં આર્ટિકલમાં મૂકેલ વાત કહી… જેમાં શૈલ્યભાઈ, કાંક્ષિત, તન્વીબેન, પાર્થ, પીન્કીબેન, મંથન …. બધાએ પોતપોતાના લેખ અને અલગ અલગ વિભાગો વિષે માહિતી પૂરી પાડી.
           છેલ્લે કાંક્ષિતે હાજર તેમજ ગેરહાજર દરેક સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો. અને છેલ્લે આપણા આ કાવ્યસંગ્રહમાં સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માએ પણ રસ દાખવ્યો છે એ બાબત જાણીને બધાએ ધબકારની વધતી જતી લોકપ્રિયતા અને એની સાથે જોડાયેલા હોવાનો સંતોષ માન્યો… ને લાસ્ટ બટ નૉટ લિસ્ટ વેફર ને સમોસા નો નાસ્તો કરી ને બધા છૂટા પડ્યા.
            ને આ સાથે જ ધબકાર ન સુર્વણમુગટમાં વધુ બે સુંદર પીંછા મુખપત્ર અને વેબસાઈટ રૂપી ઉમેરાયા.

મુંબઈના આગણે ‘ધબકાર’ પડઘાયો !!

Filed Under (મુંબઇ) by નીરજ on 19-01-2008

Tagged Under : , , , , , , , , , , , , , , , , , , , , , ,

ધબકાર સાથે સંકળાયેલાં મુંબઈવાસી મીત્રો સૌ જેની આતુરતાથી રાહ જોતા હતા. તે ધબકારની પ્રથમ સભા ખુબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં અને સફળતાપુર્વક મુંબઈના ઉપનગર વિલેપાર્લે (પશ્વિમ)માં આવેલા ઈશ્વરલાલ ખાતે તારીખ ૧૯ જાન્યુઆરીનાં સાંજે ૪:૦૦ વાગે યોજાઈ ગઈ.

સભાનો સમય સાંજના ૪:00 વાગ્યાનો હતો પણ મુંબઈમાં દૂર દૂર વસતાં ધબકારનાં સૌ સભ્યો ૪:40 સુધીમાં આવી પહોચ્યાં હતાં. આ સૌ સભ્યોનાં નામ આ પ્રમાણે છે :

૦૧ - કપિલ દવે
૦૨ - નેહા મહેતા
૦૩ - વિજય વસાણી
૦૪ - ખેવના દેસાઈ
૦૫ - લોપાબેન વ્યાસ
૦૬ - ગીરીશભાઈ જોષી
૦૭ - સોનલ ઠક્કર
૦૮ - હસમુખભાઈ ધરોડ “અંકુર”
૦૯ - ચેતનભાઈ ફ્રેમવાળા
૧૦ - ભાવેશ પટેલ
૧૧ - ચંદ્રેશ કાપડીયા
૧૨ - વિકાસ ચાવડા
૧૩ - ભાવિક શાહ
૧૪ - હેંમત મિસ્ત્રી
૧૫ - જિમીત મલ અને
૧૬ - પ્રાચીબેન વ્યાસ.

સભાની શરુઆતમાં શ્રી…એ ‘ધબકાર’નો પરીચય આપીને સૌને એક અવનવીન પ્રવૃત્તીનો ધબકાર આપ્યો. નેહાબેને ધબકાર અંગે પોતાની વીશીષ્ટ શૈલીમાં રજુઆત કરી. જ્યારે કપિલ દવેએ સૌ સભ્યોને ‘ધબકાર’ વિશે સમાચારપત્રોમાં આવેલા લેખ બતાવીને પ્રોત્સાહિત કર્યા હતા. અમદાવાદમાં ધબકારની જે જે પ્રવૃત્તિઓ ચાલે છે તે અંગે પણ રસપ્રદ રજુઆતો થઈ.

ત્યાર બાદ અમદાવાદથી કાંક્ષિત મુનશીએ મોકલાવેલ પત્રનું વાચન ખેવનાબેને કર્યુ.અને ‘ધબકાર’ દ્વારા પ્રગટ થનારા કાવ્યસંગ્રહ અંગે પણ વિગતે જણાવ્યુ .

આ સભાના મુખ્ય કાર્યક્રમમાં તો કાવ્યવાચન અને કાવ્ય-ગઝલ વિષે જ રજુઆતો થવાની હોઈ અનુક્રમે આરંભમાં કેટલાક સ્થાનીક સર્જકોની રચનાઓ રજૂ થઈ હતી. પોતાની કૃતિઓનું પઠન કરનારાંઓમાં આ સભ્યોનો સમાવેશ થતો હતો :

હસમુખભાઈ, ગિરીશભાઈ, ખેવનાબેન, વિજયભાઈ અને ચેતનભાઈ.એમના કાવ્યપઠનથી સભ્યોએ સ્થાનિક સર્જકોની રચનાઓનો આસ્વાદ તો માણ્યો જ પરંતુ મુંબઈને આંગણે પોતાનાં જ નવલાં સર્જકો દ્વારા હાથ ધરાયેલી આ વીશેષ પ્રવૃત્તિનો રોમાંચ પણ અનુભવ્યો - કહોને, એક અજબ ધબકાર જ અનુભવ્યો ! સ્થાનિક મિત્રોની રચનાઓનો એક જુદા જ પ્રકારનો એવો આનંદ સૌમાં વ્યાપી વળ્યો અને અનેકને એમાંથી પ્રેરણા પણ પ્રાપ્ત થઈ.

સ્વરચનાઓનું આ પઠન પણ કવિતા અને ગઝલ વિશેની ચર્ચા કરતાં કરતાં જ થતું હોઈ કાર્યક્રમને એક નવો આયામ પણ મળ્યો અને ‘ધબકાર’ને એક નવું પરિમાણ પણ મળ્યું.

આ સાથે જ હાજર સભ્યોમાંથી કેટલાંકે, જેઓ વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે તે તે પ્રવૃત્તિઓનો પણ લાભ ‘ધબકાર’ને આપવાની તત્પરતા દર્શાવીને પોતપોતાની પ્રવૃત્તિઓ અંગે વિગતે રજુઆતો કરી !

જિમીતભાઈએ જણાવ્યુ કે તેઓ ‘World Space Satellite Radio’ પર થી પ્રસારિત થતી એક માત્ર ગુજરાતી રેડિયો ચેનલ “રેડિયો ઉંમગ” પર કામ કરી રહ્યા છે અને તેઓ ‘રેડીયો ઉંમગ’ પરથી ‘ધબકાર’ ગૃપને રજૂ કરશે !

જ્યારે ચેતનભાઈ ફ્રેમવાળાએ જણાવ્યું હતું કે તેમની પાસે હાર્મોનિયમ, તબલાં અને ગીટાર જેવાં સંગીતનાં સાધનો ઉપરાંત પુરતી જગ્યા પણ હોવાથી હવે પછીની સભાઓ અને રિહર્સલ વગેરે નો લાભ ધબકાર ગ્રુપ લઈ શકે છે.

આજની આ સૌ પ્રથમ જ સભા હતી એટલે ઉત્સાહ તો અત્યંત હતો. અવનવીન વાતોએ એમાં જાણે રંગોળીઓ પૂરી હતી ! આ બધી વાતો અને રજુઆતોમાં ૬:30 ક્યારે વાગી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો. મુંબઈના દૂર દૂરના વિસ્તારોમાં સૌને પહોંચવાનું હતું. પાંચેક સભ્યોને લગ્નમાં પણ જવાનુ હતું. જ્યારે મુંબઈના જાણીતા ગણગણાટકો - મચ્છરો -નું આગમન પણ સભાને બરખાસ્ત કરવા મજબૂર કરવા તત્પર થયું હોઈ અમારે મીટીંગને વિરામ આપવો પડ્યો હતો.

અને આ વિરામ સાથે જ એક તરફ એક કાર્યક્રમ પૂરો થતો હતો, તો બીજી તરફ ‘ધબકાર’નો ધમાકેદાર પ્રવેશ મુંબઈમાં થઈ ચુક્યાનો અહેસાસ સૌ અનુભવી રહ્યાં હતાં. અમદાવાદને આંગણે જેનાં બીજ રોપાયાં એ ‘ધબકાર’ને આ નવી ભુમિમાં પણ રોપાવાની મળેલી તક એ આ સભાની અવિસ્મરણીય બાબત હતી.

મુંબઈનાં સૌ કોઈ સભ્યોને ધન્યવાદ આપીને અને આરંભાઈ ચૂકેલા આ નવા વાતાવરણને અવારનવાર માણતાં રહેવાનો નિશ્ચય કરીને સૌએ એકબીજાને વિદાય આપી હતી.

ધબકારનું વધુ વિશ્વાસપૂર્વકનું અને સફળતાભર્યું દ્વિતીય પગલું….!!

Filed Under (અમદાવાદ) by નીરજ on 23-12-2007

Tagged Under : , , , , , , , , , , , , , , , , , , , , ,

૨૩ ડીસે. ના આપણું ‘ધબકાર’ વધુ એકવાર સ્વર-શબ્દનો યજન કરવા તૈયાર હતું… આમ તો મિત્રોમા મળવા ને વહેચવાનું ના હોય તો પણ બધાએ વધુ સારી રીતે કૃતિ રજૂ કરી શકાય એટલે અઠવાડિયાં અગાઉથી તૈયારીઓ કરી ને પોતાનાં કલા-પુષ્પો મા સરસ્વતિના ખોળે ધરવા તૈયાર હતાં.

શૈલ્યભાઇનું આંગણું આ પહેલાંના કાર્યક્રમ કરતાં ઘણા વધુ લોકોને આવકારવા તૈયાર હતું. કાર્યક્રમ પણ લગભગ નકકી કરેલા સમયે શરુ થયો.

પાર્થ દ્વારા કવિ શ્રી ભાનુશંકર વ્યાસની ‘માગણી’ નામક કૃતિ ‘આપને તારા અંતરનો એક તાર’ શ્રોતા મિત્રો પાસે રજૂ થઈ એ સાથે જ શરુ થયો શબ્દ-સૂરની વહેચણીનો એ અવર્ણનીય આનંદ…!!

શરુઆત થઇ દેવલ દ્વારા સરસ્વતિ-સ્તુતિથી… જેમાં સુરસરગમના બિંદુ હોવાનો નમ્ર આનંદ છલકતો હતો. ત્યાર બાદ ધબકારની સૌથી નાની વયની પણ ખૂબ જ સુંદર ટેલેન્ટ ધરાવતી વાગ્મી દેસાઇએ “હે ચંદ્રમૌલી…!” ગાઇને વાતાવરણમાં પવિત્રતા ઉમેરી. પછી એ જ સાથે ધબકારનો કાર્યક્રમ રંગ પકડતો ગયો….!

પછી વારો આવ્યો ”શમા” નામક દીપ્તિ પટેલના કાવ્યનો, જેનું વાચન થયું મન્થન દ્વારા. …..પણ મંથન સ્ટેજ પર આવે આવે ત્યાં તો પાર્થ દ્વારા ધબકાર વતી મંથનના જન્મદિવસની શુભકામનાઓ વ્યક્ત કરતું એક કાવ્ય પણ રજૂ કરી દઈને પ્રસંગની મઝાને ઑર વધારી દીધી…! ત્યાર બાદ જીગ્નાબેને “રાધાનું નામ તમે….”  રજૂ કર્યું; સુધાબેન ભટ્ટે એક અછાંદસ કાવ્ય અને એક છંદબદ્ધ કવિતા રજૂ કરી. સાથે સાથે એમણે છંદની સમજ પણ આપી… પછી શૈલ્યભાઇએ ઓજસ પલનપુરીની રચના “બીજી તો કોઇ રીતે ના ભુંસાય ચાંદની” રજૂ કરી અને પછી વારો આવ્યો સૈફ પલનપુરીની રચનાનો…

“ખુશ્બુમાં ખિલેલ ફૂલ હતાં… ” રજૂ કરી પ્રશાંતે. એકદમ સંવેદનશીલ એવી આ ગઝલની એકદમ સંવેદનાથી કરાયેલી રજુઆત સાંભળીને ઉપસ્થિત બધાં જ સ્તબ્ધ થઇ ગયાં… ને પછી એ વાતાવરણને હળવું બનાવ્યું કાંક્ષિતે. “રોજ એ જગતથી કશુ” સંભળાવીને વાતાવરણને હળવું બનાવી દીધુ.  ને લોકોએ તો એને દુબારા, દુબારા કરીને બીજી કડી તો બીજી વાર પણ રજૂ કરાવી !

વચ્ચે વળી વીજય અને લીનાને એમના સફળ દાંપત્યજીવનની શુભકામનાઓ આપી. ત્યારબાદ સી.એન. વિદ્યાવિહાર તરફથી ખાસ હાજર રહેલા શ્રી નીખીલભાઇ શાહે ધબકારની પ્રવૃત્તિને ખાસ બીરદાવી અને આ કાર્યક્રમમાં એમનો પૂરો સાથ હોવાની ખાત્રી આપી અને ધબકાર સાથે જોડાયેલાં સૌને ધન્યવાદ આપ્યા. જ્યારે શૈલ્યભાઇએ એમની પોતાની રચનાનું પઠન કર્યુ. ડૉ. હાર્દીકે ખાસ ધબકાર ઉપર જ એક કાવ્ય રજૂ કરીને બધાંની દાદ મેળવી…!

પછી તો બ્રેકની થોડીવાર જ પહેલાં, ધબકારના તમામ મહત્વના સમયે સાથ આપતા ધબકારના તબલચીઓ હાર્દિપ અને વત્સલે તબલા વાદન રજૂ કર્યું તથા સાથે સાથે કેટલીક તબલાવાદનની પાયાની માહિતી પણ આપી. ને એમ છેવટે ધબકતા તાલ સાથે જ થોડા સમયનો વિરામ લેવામાં આવ્યો…

બીજી બેઠકનો આરંભ એકદમ ડોલાવી દેનારો રહ્યો… ! ખુશ્બુએ “મેં તો ઝેર નો કટોરો પીધો” રજૂ કર્યું… જે સ્વભાવિક રીતે જ ‘વન્સ મોર’ થયું ને ખુશ્બુએ પહેલી કડી ગાઇને બધાને રાજી પણ કર્યા… ત્યારબાદ ધબકારની વધુ જાણીતી અને હિતેચ્છુ વ્યક્તિ એવા કમ્પોઝર શ્રી જન્મેજયભાઇ વૈદ્ય ખાસ આવ્યા. તેમણે ધબકાર વિષે તો વાત કરી જ પણ સાથે સાથે જાતે જ એમનું પોતાનું કમ્પોઝીશન પણ સંભળાવ્યું !!! એ પણ બધાંએ સાંભળીને મજા માણી. પછી દરેકે પોતાની કૃતિ રજૂ કરી… સમય બહુ ઝડપે પસાર થતો હતો એટલે પછી બધાની એક એક જ કૃતિ લઇ શકાઇ… જેમાં ધ્વનિની કૃતિ ધારીણીબહેને અને પ્રીતિબહેનની કૃતિ જલ્પાબેને વાંચીને રજૂ કરી…

ફલકે સોલી કાપડિયાની ગાયેલી “કોક વાર આવતાં ને જાતાં” ને નજાકતની સાથે મૌલિક ટચ આપીને અતિસુંદર રીતે રજૂ કરી બધાની વાહ વાહ મેળવી… પછી તો પિંકીબેને પણ એમની કૃતિ વાંચી સંભળાવી…

ક્રિશ્ના પંચાલની કૃતિ એમની જ હાજરીમાં શૈલ્યભાઇ દ્વારા વંચાણી… ને છેલ્લે તેજસે “તારા અણસારે….” પરેશ ભટ્ટનું કંમ્પોઝીશન સંભળાવ્યુ અને છેલ્લે ‘આ અસ્ત પછી ફરી ઉદયમાં’ મળવાનું નકકી કરી બધાં છુટાં પડ્યાં….

ઇલેકશનના રીઝલ્ટમાં બહોળી લોકલાગણીની જીતની સાથે ધબકારની આ સાંજ એક યાદગાર સાંજ બની દરેકના હ્રદયમાં ધબકતી રહી…!