ધબકાર, ધબકાર, સૂર શબ્દના સથવાર…

Filed Under (કાંક્ષિત મુનશી "શફક", પ્રોજકટ સૂર) by manthan on 04-08-2008

સૂર શબ્દના પગરવ માંડ્યા, માંડી પ્રેમની વાતો,
ગુર્જર વાણીની સોડમ લઈ, હૈયે સ્વર હરખાતો.
ધબકાર, ધબકાર, સૂર શબ્દના સથવાર.

શબ્દની મીઠી આંટી ઘૂંટી, કાવ્ય પઠનની વાતો,
નિરાકારમાં હરદમ ભળતા નાદ સુગમ સંભળાતો,
ગીત, ગઝલ ને કાવ્યમાં તરબર, આપણો એક વિચાર,
ધબકાર, ધબકાર, સૂર શબ્દના સથવાર.

કોઈ કવિ છે, કોઈ ગાયિકા, સહુ કોઈ ગુર્જરી પ્રેમી,
કોઈ કલમથી બને રાધિકા, કોઈ રેલે સ્વર હેલી,
શબ્દ સૂર ને, આપે જાણે ઇશ્વર એક આકાર,
ધબકાર, ધબકાર, સૂર શબ્દના સથવાર…

-કાંક્ષિત મુનશી “શફક”

સ્વરાંકન - હાર્દિક પુરોહિત (ગાંધીનગર)

હું શમણાઓને ગાળું છું

Filed Under (ગઢવી મિલિન્દ(ગ.મિ.)) by admin on 05-05-2008

Tagged Under : , , , , , , ,

હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી
અફસોસ બિચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
તો કોણ પછી આ રગરગમાં વિશ્વાસ બનીને ઘૂમે છે

પેલા પર્વત પર બે પ્રેમી કહે છે કે આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે

- ગ. મિ. (ગઢવી મિલિન્દ)

રાખી

Filed Under (દીપ્તિ પટેલ 'શમા') by admin on 05-05-2008

Tagged Under : , , , , , , ,

આજે ઑફિસથી ઘરે જઈશ ઉમંગે-ઉમંગે,
સજાવીશ ‘રાખી’ની થાળી ઉમંગે-ઉમંગે.
મૂકીશ ચપટી કંકુ ને સાથે ચપટી ચોખા;
કહીશ - આપણે ક્યાં છે અંતરથી નોખાં?
આજે ‘રાખી’,છલકે આંસુ બની પ્રેમ બહેનાનો;
જોઇયે છે પ્રેમ,બાકી મને શોખ ક્યાં છે ગહેનાનો?
રેશમી દોરી છે, પણ ગાંઠ મજબૂત છે;
આપણે દૂર છીએ, પણ સંબંધ સાબૂત છે.

૩ જુન ૨૦૦૨, કેનેડા આવતાં પહેલાં –

યાદ છે બાંધી’તી રાખડી,ને ખવડાવી’તી થોડી મિઠાઈ;
કેવી ભરાઈ હતી આંખડી ,ને પછી લીધી’તી વસમી વિદાય.
યાદ કરું તો ઉમટે છે આંખમાં આંસુનો દરિયો,
પણ હવે તો હું જ મુસાફર ને હું જ ખેવૈયો!
જાતે જ ખોબલો ભરું મોતીનો, ને જાતે જ લુછી લઉ મારાં આંસુ,
શી ખબર ‘શમા’, આવતી સાલ ફરી વહાવવા પડે આ આંસુ.

દીપ્તિ પટેલ ‘શમા’,૨૮ ઑગષ્ટ ૨૦૦૭ - ‘રક્ષાબંધન’

બે-ચાર પળ

Filed Under (દિગિશા શેઠ પારેખ) by admin on 05-05-2008

Tagged Under : , , , , , ,

હવે જિંદગી પર નથી કોઈ વહેમ મને,
ને ખબર નથી મોત પછી શું અંજામ છે..

થોભવા દે થોડું ઈશ્વર આ સમયમાં મને ,
જરાક બે-ચાર પળનું જ મારે કામ છે..

ઘણા જુવે મારી રાહ ને ઘણે લાગાવ છે મને,
આખરમાં કહી દઉં તેમને આ જીવ હવેથી હરામ છે..

પછી લઈ જા ભલે કરી કેદ તું મને ,
એ પછી તો બસ મારે આરામ જ આરામ છે

દિગિશા શેઠ પારેખ

દર્દ નો એવો ગજબ એહસાસ છે

Filed Under (કાંક્ષિત મુનશી "શફક") by admin on 04-05-2008

Tagged Under : , , , , , , ,

દર્દ નો એવો ગજબ એહસાસ છે,
હું રડું છું, ને મારી આંખે પ્યાસ છે.

બારે માસે એ નું એ ક્યાં ચાલશે?
માની લઇએ સુખ તણો અવકાશ છે.

હું ગઝલ લખું ને મન ધ્રૂસ્કે ચઢે!
કેવા શુકન ! કેવો રૂડો આગાઝ છે !

લાગણીના સુર્યની ખિલ્લી ઊડે !
વાદળામાં કેટલો વિશ્વાસ છે !!!

ભર બપ્પોરે આંગણે ખટકો મળે,
બારણે માણસ નહી એક આસ છે.

એની સામે હું સતત નમતો રહ્યો ,
ભવ્યતા છે કે ફકત આભાસ છે!

હર ગઝલમાં વાત તારી, પણ તું નહી,
કેવો “શફક” બેસાડ્યો તેં પ્રાસ છે !

કાંક્ષિત મુનશી “શફક”

કયાંયનો નહિ તો છતાં સર્વત્ર છું

Filed Under (રમેશ કોશિયા) by admin on 19-04-2008

કયાંયનો નહિ તો છતાં સર્વત્ર છું
કોઇ સરનામાં વિનાનો પત્ર છું.

વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું.

હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું.

જિંદગી જેવો નનામો પત્ર છું
કૈંક અફવાઓને માથે છત્ર છું.

આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં
જયાં જઈશ ત્યાં લાગશે અન્યત્ર છું……..

રમેશ કોશિયા

રક્તમાં બોળી કલમ..

Filed Under (સુનીલ શાહ) by admin on 19-04-2008

અવકાશથી અવકાશને ભરતો રહ્યો,
તારા મિલનની આશમાં ખરતો રહ્યો.

ખુલ્લી ક્ષિતિજે ઝૂરતા સૂરજ સમો,
હું શૂન્યમાં બસ દૂર ઓગળતો રહ્યો.

રાજી થયો પાનાં જીવનનાં ઓળખી,
હું દાવ જોકરનો સદા રમતો રહ્યો.

ક્યાંયે જુદી ભાસે દશા તો આપણી,
તું આમ બળતી, હુંય તો બળતો રહ્યો.

જો હો વ્યથા કે કોઈની પણ હો કથા,
બસ રક્તમાં બોળી કલમ લખતો રહ્યો.

સુનીલ શાહ

બીડી દીધેલા હોઠ….

Filed Under (ક્રિશ્ના પંચાલ "રાધેક્રિશ્ના...") by admin on 16-04-2008

બીડી દીધેલા હોઠ ને ખોલો તો બોલીએ,,,
સોગન દઈને બોલો કે બોલો તો બોલિએ,,,

નજરથી નજર મળી અને વસી ગયાં દીલમાં,,,
હવે એજ નજરો થી કહો બોલો તો બોલીએ,,,

દીલમાં વસીને હોઠો પર છવાયાં તમે,,,
હવે એજ હોઠોથી કહો બોલો તો બોલીએ,,,

શબ્દો બની ને તમે જ બસ હોઠોથી નિકળો છો,,,
હવે એજ શબ્દો થી કહો બોલો તો બોલીએ,,,

શ્બદો થકી તમે વાણીમાં અમારી વસો છો,,,
હવે એજ વાણી ધ્વારા કહો બોલો તો બોલીએ,,,

પ્રેમમાં ને પ્રેમમાં કયાંય ચેન નથી હવે દીલને,,,
હવે એજ પ્રેમથી તમે બોલાવો તો બોલીએ,,,,

ક્રિશ્ના પંચાલ “રાધેક્રિશ્ના…”

સંબંધોનાં સમીકરણો બદલાતા મેં જોયા…

Filed Under (ધ્વની જોશી) by admin on 16-04-2008

સંબંધોનાં સમીકરણો બદલાતા મેં જોયા,
એમાં શતરંજનાં બાદશાહોને ફાવતાં મેં જોયા.

હારેલા ને લાગણીમાં પિસાતા મેં જોયા,
ને પછી યાદોનાં સાગરમાં ખોવાતા મેં જોયા.

પૈસા અને પ્રતિષ્ઠાની ઘેલછા માં,
જિંદગી સામે લખલૂટ લૂંટાતા મેં જોયા.

ધ્રુજી ગયું દિલ ,ને ફિકો પડ્યો વિશ્વાસ,
જયાં પ્રેમનાં મુખોટા બદલાતા મેં જોયા.

ધ્વની જોશી

હું જેવો છું એવો મુજને સ્વીકારો ને!

Filed Under (ચેતન ફ્રેમવાલા) by admin on 16-04-2008

હું જેવો છું એવો મુજને સ્વીકારો ને!
સાચ્ચો,કડવો,તીખો છું,મુજને માણોને.

આખે આખો સારો છું એવું ક્યાં કહેતો?
થોડા-ઝાઝા દોષો સાથે અપનાવો ને!

શીશા જેવું ચોખ્ખું દિલ લઇને આવ્યો છું,
મુજ દિલમાં ડૂબી જાઓ,મુજને તારો ને!

ચાહતની સોગાદો આપે પરને વાંટી,
થોડી બસ થોડી ચાહત મુજને ફાળો ને!

શંકાની નજરે શાને મુજને જૂઓ છો,
શંકાથી પર કો’દી મુજને આણો ને!

જડ થઇ ગ્યો છું,ભૌતિકતાના દાવાનળમાં,
જડ હૈયામાં ચેતન જેવું સંચારો ને!

ચેતન ફ્રેમવાલા